સૌર ઊર્જા (What is Solar Energy?)
આજ સુધી આપણે ઊર્જાના પ્રણાલીગત સ્રોત જેવા કે લાકડું, કોલસો, ખનીજતેલ, કુદરતી ગેસ વગેરેનો સતત અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતા આવ્યા છીએ, તેના પરિણામે આ ઊર્જાસ્રોતોની અછત સર્જાઈ છે. ઊર્જાના બિનપ્રણાલીગત સ્રોત જેવા કે ભૂઉષ્મીય ઊર્જા, સામૂહિક ઊર્જા, સૌર ઊર્જા વગેરેના ઉપયોગનું પ્રમાણ હવે વધી રહ્યું છે, કે જેનો જથ્થો અખૂટછે.
સૂર્ય એ ઊર્જાનો સૌથી મોટો સ્રોત છે. સૂર્યમાંથી મળતી ઊર્જાને આપણે સૌર ઊર્જા કહીએ છીએ. સૌર ઊર્જાનો જથ્થો અખૂટ ગણાય છે. એક સામાન્ય ગણતરી એવી છે કે એક સામાન્ય મકાનના છાપરા પર પડતી સૂર્ય ઊર્જા તે મકાનમાં વપરાતી કુલ ઊર્જા જેટલી હોય છે. આ સૌર ઊર્જાને એકઠી કરી, રૂપાંતરિત કરી અને સંગ્રહ કરીને સતત તે મળતી રહે તેવી વ્યવસ્થામાં વપરાતાં ઉપકરણો એટલે સૌર ઊર્જા માટેનાં ઉપકરણો. જેવાં કે, સોલાર કૂકર, સોલાર લેમ્પ, સોલાર વોટર હીટર, સોલાર ડ્રાયર, સોલાર વોટર પમ્પ વગેરે. સોલાર સેલ (સૂર્યકોષ) બનાવવા અર્ધધાતુ-સિલિકોનનો ઉપયોગ થાય છે. સૌર કોષોનો ઉપયોગ કેક્યુલેટર્સ, ઘડિયાળ, ઉપગ્રહો અને અન્ય ઘણા ઉપકરણોમાં કરી શકાય છે.
સૌર ઉપકરણોનો મુખ્ય ફાયદો એ છે કે તે પ્રદૂષણ મુક્ત ઊર્જા પૂરી પાડે છે અને અખૂટ એવો સૌરઊર્જાનો સ્રોત વાપરે છે.
હવે વિકાસશીલ અને વિકસિત દેશો મોટા પાયે સોલાર પાર્કનું નિર્માણ કરવા લાગ્યા છે. દરરોજ વધુને વધુ ક્ષમતાવાળા સોલાર પાર્કના સમાચારો મળતા જાય છે. છતાં હાલ 2017 ના વર્ષે ઉપલબ્ધ માહિતી મુજબ
છતાં હાલ 2017 ના વર્ષે ઉપલબ્ધ માહિતી આ મુજબ છે :
વિશ્વના સૌથી વધુ વિદ્યુત-ઊર્જા ઉત્પાદન કરતા કેટલાક સોલાર પાર્ક
1. ટેન્ગર ડિઝર્ટ સોલાર પાર્ક – 1500 મેગાવૉટ (MW) – ચીન
2. ડેટોગ સોલાર પાવર ટોપ રનર બેઝ – 1000 મેગાવૉટ (MW) – ચીન
3. કર્નલ અબ્રા મેગા સોલાર પાર્ક – 900 મેગાવૉટ (MW) – ભારત (આંધ્રપ્રદેશ)
4. લોંગયાંગશીયા ડેમ સોલાર પાર્ક – 850 મેગાવૉટ (MW) – ચીન
5. કામુથી સોલાર પાવર પ્રોજેક્ટ – 648 મેગાવૉટ (MW) – ભારત (તમિલનાડુ)
સોલાર ઉપકરણોમાં વપરાતા ફોટોવોલ્ટેઈક સેલમાં કોઈ ફરતા, હલન ચલન કરતા ભાગો ન હોવાથી અવાજનું પ્રદૂષણ કરતા નથી. પરંતુ સોલાર સેલમાં વપરાતી ધાતુ કિંમતી હોવાથી સૌર ઉપકરણો પ્રથમ નજરે મોંઘા લાગે છે. સૌર ઊર્જા ઉત્પાદન કરવાના પ્રોજેક્ટની એક બીજી મર્યાદા એ છે કે તેમાં વિપુલ પ્રમાણમાં જમીનની જરૂરિયાત રહે છે.
એક રસપ્રદ સત્ય એ છે કે પૃથ્વીની સપાટી આશરે 1,20,000 ટેરાવૉટ જેટલી સૌર ઊર્જા પ્રાપ્ત કરે છે. જે સમગ્ર વિશ્વની ઊર્જા જરૂરિયાત કરતાં 20,000 ગણી વધારે છે. દર કલાકે પૃથ્વીને પ્રાપ્ત થતી સૌર ઊર્જા એ સમગ્ર પૃથ્વી પર વસતી માનવ જાતિની એક વર્ષની ઊર્જા જરૂરિયાત જેટલી હોય છે.